અમદાવાદ શહેરમાં ટ્યુશન ક્લાસ દરમિયાન વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.


ક્લાસમાં બેસવાની જગ્યાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી

માહિતી મુજબ, ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એક વિદ્યાર્થીને અન્ય ક્લાસમાં બેસવા માટે કહેવામાં આવતા બંને વચ્ચે તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો શાંત થયો હતો, પરંતુ બાદમાં આ વિવાદ ગંભીર બની ગયો હતો.

 એક વિદ્યાર્થીએ છરી જેવા હથિયારથી બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો

પોલીસ તપાસ અનુસાર, બોલાચાલીનો મનદુઃખ રાખીને એક વિદ્યાર્થીએ છરી જેવા ધારદાર હથિયારથી બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ટ્યુશનમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવી શકાય.

હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે મુદ્દે પણ પોલીસ દ્વારા તપાસ

આ ઉપરાંત હુમલાખોર વિદ્યાર્થી હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે મુદ્દે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો ----    Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે



  • Follow us on: