ગુજરાતમાં 9 વર્ષ પહેલાં ગૌ હત્યા રોકવા માટે સરકારે કડક કાયદો બનાવ્યો હતો પણ હજું પણ ગૌવંશને કતલખાને લઇ જવાતું હોવાના બનાવો બહાર આવી રહ્યા છે. ગૌરક્ષકો અને ગૌવંશને કતલખાને લઇ જતા લોકો વચ્ચેના સંઘર્ષના બનાવો પણ બને છે . સરકારે પસાર કરેલા કડક કાયદામાં ગૌ હત્યા કરનારાઓ સામે કડક જોગવાઇઓ કરાઇ છે જેમાં નવા કાયદા મુજબ ગૌ હત્યા કરનારાાને 10 વર્ષથી ઓછી નહી તેટલી મુદતની સજા અને જે કોઇ વ્યક્તિ દોષિત થશે તો તેને આજીવન કેદની સજાની જોગવાઇ કરાઇ છે.


ગૌવંશની ગેરકાયદેસર હેરફેર સામે 10 વર્ષની સજા

સરકારના કાયદા મુજબ ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસની બનાવટ વેચવા તથા રાખવા અને તેનો સંગ્રહ કરવા ઉપરાંત હેરફેર કરતા દોષિત થશે તો 10 વર્ષ સુધીની પણ 7 વર્ષ કરતા ઓછી નહી તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે. આ સાથે દોષિતોને 5 લાખ સુધીના પણ 1 લાખ કરતા ઓછા નહી તેટલા દંડની પણ આ કાયદામા જોગવાઇ કરાઇ છે.

આ કાયદા હેઠળના તમામ ગુનાઓ પોલીસ હસ્તકના અને બિનજામીનપાત્ર

વિશેષ નોંધનીય છે કે ગૌવંશની હત્યાના દોષિતોને આજીવન કેદની સજા કરવામાં આવશે. ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા કે પ્રદર્શન કરવા બદલ સાતથી દસ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ પોલીસ હસ્તકના અને બિનજામીનપાત્ર રહેશે. રાત્રિના સમયમાં પશુઓની હેરફેર અટકાવવા સાંજે 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાઇસન્સ લેવું ફરજિયાત

ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું જેની અન્ય જોગવાઇઓ પ્રમાણે મુજબ પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે ઉપયોગમાં લેવાતા પાડા અને સાંઢનું રજિસ્ટ્રેશન અનિવાર્ય બનાવાયું છે. કાયદો લાગુ થયા બાદ છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી વગર કોઈ વ્યક્તિ સ્પર્મ સ્ટેશન, ગર્ભ પ્રત્યારોપણ કેન્દ્ર, ગર્ભાધાન પ્રયોગશાળા કે કૃત્રિમ ગર્ભાધાન તાલીમ સંસ્થા સ્થાપી કે સંચાલિત કરી શકશે નહીં.

વ્યક્તિ કે સંસ્થાના વડા પર રૂ. 50 હજારનો દંડ

નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ કે સંસ્થાના વડા પર રૂ. 50 હજારનો દંડ કરવામાં આવશે, જ્યારે દંડ ન ભરવામાં આવે તો પ્રતિ દિવસ રૂ. 1 હજારની પેનલ્ટીની જોગવાઈ છે. નોંધણી વગર નર પશુઓના વિર્યનો ઉપયોગ કરનારને છ મહિના સુધીની કેદ અથવા રૂ. 1 લાખનો દંડ અથવા બંને સજા થશે. અનુચિત જાતના વિર્યથી સંવર્ધન પ્રવૃતિ કરનાર તેમજ કૃત્રિમ ગર્ભાધાન સંબંધિત ભ્રામક જાહેરાત કરનારને પણ કડક સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાના બનાવો યથાવત

આ તરફ, અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાના બનાવો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જતાં લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ દરમિયાન કતલખાને લઈ જતા લોકોએ ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

 ગૌવંશ કાયદાની કડક અમલવારીની માગ

રાજ્યમાં એક તરફ ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે કડક કાયદા ઘડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગૌહત્યાના બનાવો સામે આવતા કાયદાની કડક અમલવારીની માંગ વધુ મજબૂત બની છે.


આ પણ વાંચો-----    Ahmedabad : ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ, ગૌરક્ષકો અને કતલખાને લઈ જતા લોકો વચ્ચે માથાકૂટ, BRTS ટ્રેકમાં નુકસાન કરાયું

  • Follow us on: