31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી યુવાઓમાં નશાખોરીના બનાવોને અટકાવવા માટે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ખાસ કરીને ડ્રગ્સ, ચરસ, ગાંજા તેમજ ઘેનની ગોળીઓ જેવા નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા FSL ટીમની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


સલાયવા કીટ દ્વારા તપાસ

SOG દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ છ ટીમો રચી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ લાગતા યુવાઓને રસ્તા પર જ રોકી સલાયવા કીટ (Saliva Kit) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ યુવાએ નશો કર્યો હોવાનું બહાર આવશે તો તેના સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

માત્ર પાંચ મિનિટમાં નશા અંગેનો રિપોર્ટ મળી જાય છે

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સલાયવા કીટ મોઢામાં રાખવાથી વ્યક્તિની લાળ કેપ્ચર કરવામાં આવે છે. ત્યારબાદ કીટને ખાસ મશીનમાં મૂકવામાં આવતા માત્ર પાંચ મિનિટમાં નશા અંગેનો રિપોર્ટ મળી જાય છે, જેના કારણે સ્થળ પર જ ઝડપી કાર્યવાહી શક્ય બને છે.

હાલ યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે

અગાઉ 31 ડિસેમ્બર સમયે લોકો મોટાભાગે દારૂનો નશો કરતા હોવાનું જોવા મળતું હતું, પરંતુ હાલ યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાનું ચિંતાજનક રીતે સામે આવી રહ્યું છે. આ પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે SOG દ્વારા સલાયવા કીટ મારફતે ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા નશામુક્ત સમાજ માટે જનજાગૃતિ સાથે કાયદાનો કડક અમલ કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાત નકલી પોલીસના કેસમાં દસમા ક્રમે, વીતેલા વર્ષે 37 થી વધુ નકલી પોલીસ ઝડપાયા

  • Follow us on: