અમદાવાદમાં ભર શિયાળાની ઋતુ હોવા છતાં, ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઇન તૂટવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા બે દિવસથી આ લાઈનમાં ભંગાણ થયું હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ ભંગાણને કારણે હજારો લિટર ચોખ્ખું પીવાનું પાણી રસ્તા પર વહી ગયું છે અને તેનો ભારે વેડફાટ થયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
AMCનું આંધળું કુંભારાણ
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ મામલે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)માં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એક તરફ જ્યાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યાં બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં ચોખ્ખા પાણીનો બગાડ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. AMC દ્વારા તાત્કાલિક આ લાઇનનું સમારકામ કરવામાં આવે અને પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.













