અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના હાર્દ સમા ભદ્ર પ્લાઝા અને લાલ દરવાજા વિસ્તારને પાથરણાવાળામુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી તમામ પાથરણાવાળાને હટાવી દેવામાં આવ્યા છે અને ચેતવણીરૂપે બેનર પણ લગાવવામાં આવ્યા છે કે, "જો અહીં પાથરણાવાળા બેસશે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." મનપા તંત્રએ ભદ્ર અને લાલ દરવાજાના આ પાથરણાવાળા વેપારીઓને બેસાડવા માટે પાનકોર નાકા અને ઢાલગાર વાડ જેવા વિસ્તારોમાં જગ્યા ફાળવવામાં આવી હોવાનો દાવો કર્યો છે. જોકે, તંત્રના આ નિર્ણયનો પાથરણાવાળા વેપારીઓએ સખત વિરોધ કર્યો છે.


વેપારીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

પાથરણાવાળા એસોસિએશને તંત્રના આ નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે, તેમને જે જગ્યા ફાળવવામાં આવી છે તે યોગ્ય નથી. વેપારીઓના મતે, ફાળવાયેલા બે પ્લોટમાં માત્ર 450 પાથરણાવાળા જ બેસી શકે તેમ છે, જ્યારે સંખ્યા આનાથી અનેક ગણી વધારે છે. વેપારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને અચાનક આ રીતે હટાવી દેવા યોગ્ય નથી. હજુ સુધી કોઇ જગ્યા વ્યવસ્થિત રીતે ફાળવવામાં આવી નથી, માત્ર હાઈકોર્ટમાં જવાબ આપવા માટે ઉતાવળે બેનર અને બોર્ડ લગાવવામાં આવ્યા છે." વેપારીઓએ આ મામલે પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે. મનપા તંત્ર આ કાર્યવાહી કરીને ભદ્ર વિસ્તારને ખુલ્લો અને વ્યવસ્થિત બનાવવા માંગે છે, જ્યારે બીજી તરફ રોજીરોટી ગુમાવવાનો ડર હોવાથી પાથરણાવાળા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો : Ahmedabad માં સરખેજમાં યુવાનના આત્મવિલોપન મુદ્દે મોટો ખુલાસો, પરિવારજનોના વિપરીત નિવેદનોથી મામલો ગૂંચવાયો 

  • Follow us on: