અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વર્ષો જૂના અને જર્જરિત થયેલા સુભાષબ્રિજને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં બ્રિજમાં પડેલી તિરાડો બાદ સલામતીના કારણોસર તેને બંધ કરવામાં આવ્યો હતો, હવે તંત્રએ આ બ્રિજના સંપૂર્ણ નવનિર્માણ માટે ₹232.80 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજનું હયાત સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અને તેની જગ્યાએ આધુનિક સ્ટીલ કોમ્પોઝીટ ગર્ડર આધારિત નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, નવા પ્લાન મુજબ બ્રિજની બંને તરફ વધારાની 2-2 લેન બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન રહે.
મનપાનો મોટો નિર્ણય
આ ટેન્ડરની ખાસિયત એ છે કે તે 10 વર્ષના લાયબિલિટી પિરિયડ (Liability Period) સાથે જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે કામ પૂર્ણ થયા બાદ 10 વર્ષ સુધી બ્રિજની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. બ્રિજના પિલરને માઈક્રો કોંક્રિટ જેકેટિંગથી મજબૂત કરવામાં આવશે અને તેના પર નવું ફ્રેમવર્ક તૈયાર થશે. આ કામગીરી EPC (Engineering, Procurement, and Construction) મોડ હેઠળ કરવામાં આવશે. આ બ્રિજ તૈયાર થવાથી શાહીબાગ, રાણીપ, વાડજ અને એરપોર્ટ તરફ જતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને સાબરમતી નદી પરનો ટ્રાફિક ભાર પણ હળવો થશે.













