અમદાવાદ અને ગાંધીનગરને જોડતા અતિ મહત્વના ગણાતા ઇન્દિરા બ્રિજ પર હાલમાં મોટી તિરાડો જોવા મળતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. વર્ષ 2012માં જનતા માટે ખુલ્લો મુકાયેલ આ બ્રિજ માત્ર ગણતરીના વર્ષોમાં જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજના સાંધા અને સપાટી પર પડેલી આ તિરાડો એટલી ગંભીર છે કે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું નિમિત્ત બની શકે તેમ છે. આ રસ્તો સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક ટ્રાફિકની અવરજવર રહે છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ખખડધજ ઇન્દિરા બ્રિજ
નવાઈની વાત તો એ છે કે બ્રિજની આવી ખરાબ હાલત હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ આ સ્થિતિથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો રોજેરોજ પોતાના જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં અગાઉ પણ બ્રિજની નબળી કામગીરીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે ઇન્દિરા બ્રિજની આ સ્થિતિએ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે.













