અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર આજે એકાએક ઓઇલ ઢોળાવાની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર આવેલા અમૂલ પાર્લર પાસે મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં ઓઇલ ઢોળાતા વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી હતી. રસ્તો ચીકણો થઈ જવાને કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાની ઘટનાઓ બનતા અફરાતફરી મચી ગઈ હતી.


અમૂલ પાર્લર પાસે રસ્તા પર ઓઈલ ઢોળાયું

કોઈ અજ્ઞાત વાહનમાંથી ઓઇલ લીક થવાને કારણે અથવા ઓઇલનું બેરલ ઢોળાવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો હતો અને અનેક ચાલકો લપસી પડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AMCએ ઓઈલ પર માટી નાખી કામ શરૂ કર્યું

ઘટનાની જાણ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. AMC ના કર્મચારીઓ દ્વારા રસ્તા પર ઢોળાયેલા ઓઇલ પર માટી અને રેતી નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાહનો સ્લિપ થતા અટકે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વાહનચાલકોને ધીમેથી વાહન ચલાવવા સૂચના આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં માર્ગને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: