મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકારની પ્રજાલક્ષી આરોગ્ય નીતિ અને સરકારી હોસ્પિટલોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓનું ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (પીડિયાટ્રિક સર્જરી) વિભાગના નિષ્ણાત તબીબોએ અત્યંત જટિલ અને દુર્લભ ગણાતી સર્જરી કરીને ઉત્તર પ્રદેશના એક સામાન્ય ખેડૂત પરિવારના 12 વર્ષના બાળકને નવી જિંદગી આપી છે.
25 દિવસની ઉંમરે કૂતરાએ કર્યો હતો ક્રૂર હુમલો
ઉત્તર પ્રદેશના આગ્રાના વતની સુરેશ યાદવનો પુત્ર જ્યારે માત્ર 25 દિવસનો હતો, ત્યારે એક કૂતરાએ તેના પર હુમલો કરીને તેના બાહ્ય જનનાંગને ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કરી દીધું હતું. જેમ જેમ બાળકની ઉંમર વધી તેમ તેમ તેની મુશ્કેલીઓ અસહ્ય બની ગઈ. બાળકને પેશાબ કરવામાં અત્યંત તકલીફ પડતી હતી અને જનનાંગનો વિકાસ સંપૂર્ણ અટકી ગયો હતો. દેશભરમાં અનેક જગ્યાએ સારવાર માટે ફર્યા છતાં કોઈ કાયમી ઉકેલ ન મળતા આખરે આ ગરીબ પરિવાર મોટી આશા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
સિવિલના તબીબોની ટીમ બની દેવદૂત
બાળકને 1 મે, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તબીબી અધિક્ષક અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ તપાસ કરતા માલૂમ પડ્યું કે, બાળકના બંને વૃષણો ગેરહાજર હતા, શિશ્ન અંદરની તરફ દબાઈ ગયું હતું અને મૂત્રમાર્ગનું છિદ્ર અત્યંત સાંકડું હતું.
'જેનિટલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી'
તમામ પડકારો વચ્ચે 6 મે 2026 ના રોજ ડૉ. રાકેશ જોશી તથા પ્રોફેસર ડૉ. જયશ્રી રામજીના નેતૃત્વ હેઠળ અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. મૃણાલિની અને તેમની ટીમની દેખરેખ હેઠળ જટિલ 'જેનિટલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી' સાથે ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કરવામાં આવી હતી.
12 વર્ષના લાંબા સંઘર્ષનો આવ્યો સુખદ અંત
સર્જરી બાદ 14 દિવસની સઘન દેખરેખ રાખવામાં આવી હતી. જ્યારે કેથેટર (પેશાબની નળી) દૂર કરાઈ, ત્યારે બાળકે કોઈપણ પીડા વગર સામાન્ય રીતે પેશાબ કર્યો હતો. વર્ષો પછી દીકરાને સામાન્ય અવસ્થામાં જોઈ પિતાની આંખોમાં ખુશીના આસુ આવી ગયા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પણ આ અનોખી સિદ્ધિ બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સમગ્ર મેડિકલ ટીમને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જ આજે દેશભરના ગરીબ દર્દીઓને આવી જટિલ સારવાર તદ્દન વિનામૂલ્યે મળી રહી છે.
આ પણ વાંચો - Ahmedabad News: ફતેવાડીમાં યુવતીનો મૃતદેહ મળ્યો, સરખેજ પોલીસ દોડી