ગુજરાતમાં કોમર્શિયલ વાહનચાલકો માટે પરમિટ રિન્યુઅલની પ્રક્રિયા અને વસૂલવામાં આવતા દંડને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પરમિટ રિન્યુ કરવાની મુદત 15 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી દેવાતા અને મોડું થવા પર આકરો દંડ ફટકારવામાં આવતા વાહનચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.


શું છે સમગ્ર વિવાદ?

અત્યાર સુધી કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુઅલની મુદત 15 વર્ષની હતી, જે હવે ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ફેરફારને કારણે અનેક વાહનચાલકોની પરમિટ પૂર્ણ થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, પરમિટ પૂર્ણ થયા બાદ પ્રતિ દિવસ રૂપિયા 50 લેખે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ઘણા રિક્ષા અને ટેક્સી ચાલકોએ રૂપિયા 5,000 થી લઈને રૂપિયા 40,000 સુધીનો તોતિંગ દંડ ભરવો પડ્યો છે.

યુનિયનની કાનૂની સ્પષ્ટતાની માંગ

અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. યુનિયનનો આક્ષેપ છે કે, પરમિટ ફી અને દંડ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. રૂપિયા 50નો દંડ કયા કાયદા અને કયા નિયમ હેઠળ વસૂલવામાં આવે છે તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અસ્પષ્ટ નિયમોને કારણે લાખો ટેક્સી અને ઓટો ચાલકો પર આર્થિક અને માનસિક ભાર વધી રહ્યો છે.

વાહનચાલકોની મુખ્ય માંગણીઓ

રિક્ષાચાલક એકતા યુનિયને માગ કરી છે કે, જો પરમિટ રિન્યુઅલના નિયમોમાં ફેરફાર થયો હોય, તો તેનું અધિકૃત નોટિફિકેશન રાજ્યભરમાં જાહેર કરવામાં આવે. જ્યાં સુધી સરકાર તરફથી સ્પષ્ટતા ન મળે અને નવું જાહેરનામું ન આવે, ત્યાં સુધી આ દંડાત્મક વસૂલાત તાત્કાલિક અસરથી રોકી દેવી જોઈએ. હાલમાં આ મુદ્દે વાહન વ્યવહાર વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ વાહનચાલકોમાં વધતા રોષને જોતા આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad News : RBI નો ચોંકાવનારો ખુલાસો, લોકો પાસે હજુ પણ પડી છે રૂ. 5,699 કરોડની 2 હજારની નોટો


  • Follow us on: