અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં દિવસેદહાડે થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. આ મામલે એ-ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે સત્તાવાર નિવેદન જાહેર કરીને ઘટના પાછળના કારણો અને પોલીસ તપાસની વિગતો આપી હતી. ACPના જણાવ્યા મુજબ બપોરે અંદાજે 12:30 કલાકે કંટ્રોલ રૂમ (112) પર ફાયરિંગનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ સોલા પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સોલા પોલીસના PI તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા
તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિનું નામ પ્રકાશ દેસાઈ છે, જે ચાણક્યપુરીમાં રહે છે અને પાલડી વિસ્તારમાં રિકવરીનું કામકાજ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. ACPએ જણાવ્યું હતું કે: પ્રકાશભાઈને તેમના વતનમાં એક દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની અદાવત રાખીને આરોપી દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.













