ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની અને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે ગુજરાતમાં 23 થી 26 જૂન વચ્ચે વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. જોકે, ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

15 જૂન સુધી વાવાઝોડાની આશંકા, 16 જૂને બેસશે નક્ષત્રનો વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદ, 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ બેસી જશે. ચોમાસાની શરૂઆતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નડ્યું નડતર, આ વર્ષે ચોમાસું ધીમું રહેશે

હવામાન નિષ્ણાતના મતે, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ચોમાસાની સિસ્ટમમાં થોડો વિલંબ અને અવરોધ જોવા મળી રહ્યો છે. આ જ કારણે શરૂઆતમાં વરસાદની ગતિ થોડી ધીમી રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું પડી શકે છે. જોકે, જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે. ખેડૂતો માટે આ આગાહી વાવણીના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.


આ પણ વાંચો - Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત