અમદાવાદ શહેરમાં સ્થાપના દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક સમયે અમદાવાદને મિલોનું શહેર કહેવાતું હતું એટલે જ આ શહેર આજે પણ 'બિઝનેસ હબ' પણ ગણાય છે. આ ઉપરાંત અમદાવાદ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર લડવૈયાઓની તપોભૂમિ અને કર્મભૂમિ પણ છે. આ મહિનાના અંતમાં 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા અમદાવાદનો જન્મદિવસ છે. આ વર્ષે અમદાવાદ શહેર પોતાના 615મા સ્થાપના દિવસની ઉજવણી કરશે. એવું કહેવાય છે કે માતા ભદ્રકાળીના આર્શીવાદથી આ શહેર આટલું સમૃદ્ધ છે. જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ.


ભદ્રકાળી મંદિર શ્રદ્ધાના કેન્દ્રોમાંનું એક

ભદ્રકાળી મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક ઓળખ બન્યું છે. દુનિયા આજે જે અમદાવાદને જોઈ રહી છે તે ચારે દિશામાં ફેલાયેલુ છે. મૂળ અમદાવાદ શહેરના પૂર્વ એટલે કે પોળ વિસ્તાર ગણાય છે. શહેરના પૂર્વમાં જ ભદ્ર કિલ્લાની અંદર માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ભદ્રકાળી મંદિર એ શહેરના સૌથી પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્રોમાંનું એક છે. આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના કરનાર સુલતાન અહમદ શાહના સમયમાં (1411ની આસપાસ) બાંધવામાં આવેલા ભદ્રના કિલ્લામાં આવેલું છે. 

મંદિરમાં માતાની મૂર્તિની કરાઈ સ્થાપના

હાલમાં ભદ્રકાળી મંદિર છે ત્યાં માતાની મૂર્તિની સ્થાપના 18મી સદીમાં મરાઠા શાસન દરમિયાન કરવામાં આવી હતી. મરાઠાઓએ આ કિલ્લા પર વિજય મેળવ્યો ત્યારે તેમણે અહીં માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અન્ય એક માન્યતા મુજબ પાટણના રાજા અને કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે સાબરમતી નદીના કિનારે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. 

ભદ્રકાળી મંદિરનો જીર્ણોદ્ધાર

1895 માં ભદ્રકાળી મંદિરમાં ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરાયું હતું. જયારે 1936 માં મંદિરને સંગેમરમરથી સુશોભિત કરી ભક્તો માટે મંદિરનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. આ સાથે દર્શન મંડપના બન્ને દ્વાર તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનો પણ જીર્ણોદ્વાર કરાયો. મંદિર ભદ્રના કિલ્લાની અંદર આવેલું હોવાથી તેનું સ્થાપત્ય ઐતિહાસિક છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "ભદ્ર પ્લાઝા" પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી મંદિરની આસપાસની જગ્યા વધુ સુંદર અને અવરજવર માટે સરળ બની છે.

ભદ્રકાળી સાથે જોડાયેલી પ્રચલિત દંતકથા

મંદિર સાથે એક ખૂબ જ પ્રચલિત કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલાં દેવી લક્ષ્મી રાત્રે ભદ્રના કિલ્લાના દરવાજાથી શહેર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે કિલ્લાના ચોકીદાર સિદ્દિક સૈયદે તેમને ઓળખી લીધા અને વિનંતી કરી કે જ્યાં સુધી તે રાજાની પરવાનગી ન લઈ આવે ત્યાં સુધી દેવી અહીં જ રોકાય. શહેરની સમૃદ્ધિ (લક્ષ્મી) કાયમ ટકી રહે તે માટે સિદ્દિક સૈયદે રાજા પાસે જઈને પોતાનું બલિદાન આપ્યું (અથવા પરત ન આવ્યા), જેથી લક્ષ્મીજી વચન મુજબ કિલ્લાની બહાર ન જઈ શક્યા. આ જ કારણ છે કે અમદાવાદ હંમેશા વેપાર અને લક્ષ્મીમાં મોખરે રહ્યું છે. એવી લોકવાયકા છે કે માતા ભદ્રકાળી શહેરની રક્ષા કરે છે અને તેમની કૃપાથી જ અમદાવાદ આજે આટલું સમૃદ્ધ છે. એટલે જ ભદ્રકાળી માતાને અમદાવાદના "નગર દેવી" માનવામાં આવે છે. 


આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

  • Follow us on: