અમદાવાદમાં સાયબર ક્રાઇમની ટીમ ઠગાઈના એક કેસમાં નારણપુરા વિસ્તારના શ્રદ્ધા દીપ કોમ્પ્લેક્સમાં તપાસ કરવા પહોંચી હતી. આ તપાસ દરમિયાન વિદેશમાંથી હાઇબ્રિડ ગાંજો મગાવીને છૂટક વેચાણ કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.
રૂ.15 લાખનો હાઇબ્રિડ ગાંજો જપ્ત
સાયબર ક્રાઇમ ટીમને ફ્લેટ નંબર H-6/58 માં ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બેગમાંથી 423 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો પીજીમાં રહેતા ભાવનગરના રાજદીપ ભરતસિંહ ગોહિલનો હોવાનું ખુલતાં પોલીસે તેની ધરપકડ કરી છે અને રૂપિયા 15 લાખનો ગાંજો જપ્ત કર્યો છે. વધુ તપાસ SOG ક્રાઇમને સોંપાઈ છે.
સ્નેપચેટથી ઓર્ડર, પાર્સલથી સપ્લાય
રેપિડો ચલાવતો અને પ્રેમલગ્ન કરનાર આરોપી રાજદીપ ગોહિલ પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ પેડલર બન્યો હતો. તે સ્નેપચેટના માધ્યમથી વિદેશમાં રહેતા વોન્ટેડ આરોપી અજય જાડેજા પાસેથી ગાંજો મગાવતો હતો. અજય જાડેજા ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે રાજદીપ સુધી પહોંચાડતો હતો. રાજદીપ આ જથ્થો અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો અને તેણે પાંચથી છ વખત ગાંજો મગાવ્યો હોવાનું ખુલ્યું છે.
SOGએ ઊંડી તપાસ શરૂ કરી
SOG ક્રાઇમે રાજદીપને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને જામીન મુક્ત કર્યો છે. જોકે, વિદેશી સપ્લાયર પાર્સલ દ્વારા કેવી રીતે ગાંજો મોકલતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં SOGએ ઊંડી તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો