અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા, અંતે કંટાળેલા રહીશોએ જાતે જ કાયદો હાથમાં લઈ દારૂના અડ્ડા પર 'જનતા રેડ' કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરાજકતા અને ઉત્તેજનાભર્યા દ્રશ્યો સર્જાયા હતા.


જનતા રેડ અને અરાજકતાના દ્રશ્યો

સ્થાનિકોના ઉગ્ર આક્રોશ વચ્ચે હાથ ધરવામાં આવેલી આ રેડ દરમિયાન દારૂના અડ્ડા પર હાજર પીધેલા લોકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા અને તેમની ટીંગાટોડી કરી રિક્ષામાં બેસાડીને વિસ્તારની બહાર રવાના કર્યા હતા. જનતા રેડના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકોનો ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાહપુર પોલીસની નાક નીચે જ બુટલેગરો બેખોફ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે.

શાહપુર પોલીસની કામગીરી પર સવાલો

આ ઘટનાએ અમદાવાદ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે: રહીશોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગત વગર આટલો મોટો અડ્ડો ધમધમવો અશક્ય છે. નવાઈની વાત એ છે કે જનતા રેડના વીડિયો વાયરલ થયા અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવા છતાં, હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો સામે કોઈ સત્તાવાર કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની ઢીલી નીતિને કારણે જ અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું હોવાનું લોકો માની રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: