ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાયાના મેસેજને કારણે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. પેટ્રોલ ખૂટી પડશે તેવી અફવાઓને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સરકાર અને તંત્ર દ્વારા પૂરતો જથ્થો છે લોકોએ પેનિક થવાની જરૂર નથી તેવું જાહેર મંચ પરથી કહેવું પડ્યું હતું. ત્યારે હવે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
અમદાવાદ અને રાજકોટમાં સ્થિતિ રાબેતા મુજબ
અમદાવાદમાં પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થયું છે. વાહનચાલકોની લાઈનોમાં ઘટાડો થયો છે. રાબેતા મુજબ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાથી લોકો લાઈનોમાં લાગ્યા હતાં. લોકોની લાઈનોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પેનિકની સ્થિતિ ઓછી થતી જોવા મળી રહી છે.રાજકોટમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછતની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. બે દિવસ લાઈનો લાગ્યા બાદ હવે તેમાં પણ ઘટાડો થયો છે. પેટ્રોલ પંપો રાબેતા મુજબ શરૂ થયા છે અને ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી લોકોમાં પેનિકની સ્થિતિ પણ ઓછી થવા પામી છે.













