ગુજરાતના વિકાસના નકશામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ રૂપિયા 5,100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત, 109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8) નું ભવ્ય લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક હાઈવે કાર્યરત થવાથી માત્ર ધોલેરા જ નહીં, પણ ભાવનગર તરફની મુસાફરી પણ અત્યંત ઝડપી અને સુવિધાજનક બની જશે.
સમયની થશે મોટી બચત
આ એક્સપ્રેસ-વેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર હવે માત્ર 45 મિનિટમાં કાપી શકાશે, જે પહેલા ઘણો સમય લેતું હતું. એટલું જ નહીં, અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે હવે માત્ર 1 કલાક અને 45 મિનિટનો સમય લાગશે. આ કનેક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટશે અને પ્રાદેશિક વેપારને વેગ મળશે.
પર્યાવરણલક્ષી અને વેસ્ટ-ટુ-વેલ્થ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેનો પર્યાવરણલક્ષી અભિગમ છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણમાં આશરે 60 લાખ ટન કચરાનો (Waste) પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે, જે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મિશનને સાર્થક કરે છે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે ધોલેરા SIR (Special Investment Region) અને નિર્માણાધીન ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે
લોજિસ્ટિક્સ ક્ષેત્રે આ એક્સપ્રેસ-વે ક્રાંતિ લાવશે તે નક્કી છે. ધોલેરા SIR માં આવનારા ઉદ્યોગો માટે આ હાઈવે કરોડરજ્જુ સમાન સાબિત થશે, જેનાથી સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે અને રોજગારીની તકોમાં પણ મોટો વધારો થશે.
આ પણ વાંચો - Gandhinagar News: PM મોદી વાવ થરાદ ખાતે 19 હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે