અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ ગતિએ દોડતી કારે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રામોલ વિસ્તારમાં મોડી રાત્રે 'તથ્ય પટેલ કાંડ' જેવી જ એક ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં એક પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ રસ્તા કિનારે આવેલા શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં છાપરામાં હાજર 5 જેટલા શ્રમિકો ઉપર કાર ચઢી ગઈ હતી, જેના કારણે તમામ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ કરુણ સ્થિતિ એક 5 વર્ષની માસૂમ બાળકીની છે, જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં 8 થી વધુ ટાંકા લેવા પડ્યા છે.
લોકોમાં ભારે રોષ
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કારચાલક મધ્યરાત્રિએ અત્યંત પૂરઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ કારચાલકને પકડવામાં આવતા તે નશાની હાલતમાં હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચાલક એટલો નશામાં હતો કે તેને શું કર્યું છે તેનું પણ ભાન નહોતું. અકસ્માતને પગલે રામોલ વિસ્તારમાં ભારે અફરાતફરી અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલકની અટકાયત કરી છે અને તેના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વારંવાર બનતી આવી ઘટનાઓ રસ્તા પર સૂતા ગરીબ શ્રમિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરી રહી છે.













