વિરમગામ શહેરના વોર્ડ નં. 8 માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રસ્તાના વિવાદનો અંત આવ્યો છે. ખેતર માલિકો દ્વારા તાર ફેન્સિંગ કરીને બંધ કરવામાં આવેલા રસ્તાને વહીવટી તંત્રએ પોલીસ કાફલા સાથે રાખીને ખુલ્લો કરાવ્યો છે, જેનાથી સેંકડો રહીશોને મોટી રાહત મળી છે.
ખેતર માલિકોએ તાર ફેન્સિંગ કરી રસ્તો રોક્યો હતો
વિરમગામના સર્વે નં. 498/1 અને 498/2 માંથી પસાર થતા કાચા રસ્તાનો ઉપયોગ સોમેશ્વર, સંજીવની અને અવની સોસાયટીના રહીશો અવરજવર માટે કરતા હતા. જોકે, ખેતર માલિકોએ આ જમીન પર પોતાનો હક જતાવતા ત્યાં તાર ફેન્સિંગ કરી દીધું હતું. રસ્તો બંધ થઈ જવાથી ત્રણેય સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે બિલ્ડર અને રહીશો દ્વારા મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી.













