અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે RTO ટેક્સમાં અપાતી પાંચ ટકા રાહત વધુ એક વર્ષ માટે યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે ૩૧ માર્ચ-૨૦૨૭ સુધી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓએ ૬ ટકાના બદલે માત્ર ૧ ટકો RTO ટેક્સ ચૂકવવો પડશે. આ નિર્ણયથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી આવવાનો અંદાજ છે.
લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે
અમદાવાદમાં હાલ દર મહિને સરેરાશ ૨ હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થાય છે.નિષ્ણાતોના મતે, શહેરમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ નબળું છે, તેથી નવા બિલ્ડિંગ પ્લાનમાં ચાર્જિંગ સુવિધા વધારવા સરકાર કક્ષાએ આયોજન થવું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે રાહત ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પુરી થતી હતી તેને સરકારે એક વર્ષ માટે લંબાવી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સરકારની રાહત નીતિને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે.
જાહેર ચાર્જિંગ સ્ટેશનો ઊભા થઈ શક્યા નથી
ટેક્સમાં રાહત જળવાઈ રહેવાથી આગામી સમયમાં EV સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ નોંધાય તેવી સંભવિતતા છે. જોકે, વધતા વપરાશ સામે ચાર્જિંગ સ્ટેશનની અછત મોટી ચિંતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયત્નો છતાં લક્ષ્યાંક મુજબ જાહેર ચાર્જિંગ સ્ટેશનો ઊભા થઈ શક્યા નથી. જો સમયસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં સુધરે, તો ભવિષ્યમાં ચાર્જિંગની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
વેચાણનો ગ્રોથ ઘણો ઊંચો હતો
AMCના ઉચ્ચ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જો નવા બાંધકામના પ્લાન મંજૂર કરતી વખતે જ દરેક રહેણાંક અને કોમર્શિયલ સ્કીમમાં પ્રત્યેક યુનિટ મુજબ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત કરવામાં આવે, તો જાહેર સ્ટેશનો પરનું ભારણ ઘટી શકે છે. સરકાર કક્ષાએથી આ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેવાય તે જરૂરી છે. વાહન ડીલરોના જણાવ્યા અનુસાર, જ્યારે સબસિડી મળતી હતી ત્યારે વેચાણનો ગ્રોથ ઘણો ઊંચો હતો. સબસિડી બંધ થતા વેચાણની ગતિ ધીમી પડી છે. જો સબસિડી ફરી શરૂ કરવામાં આવે, તો ગ્રાહકો જૂના વાહનો બદલીને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા વધુ પ્રેરાશે.
આ પણ વાંચોઃ Ahmedabad શહેરમાં ફરજ બજાવતા 22 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલી