સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને સોંપાયેલી કામગીરીએ શિક્ષણ જગતમાં નવો વિવાદ જગાવ્યો છે.એક તરફ શાળાઓમાં પરીક્ષાઓ અને બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની મહત્વની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષકોને રેલવે સ્ટેશન પર યાત્રાળુઓને લેવા જવાથી લઈને બસમાં બેસાડવા જેવી કન્ડક્ટર સમાન કામગીરીના ઓર્ડર અપાતા શિક્ષક આલમમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે.


શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે

ભારતના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના આયોજન હેઠળ 19 એપ્રિલથી શરૂ થયેલા આ પર્વમાં ઉત્તર પ્રદેશ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવાના છે.આ યાત્રાળુઓની વ્યવસ્થા માટે જે વાહનો ફાળવવામાં આવ્યા છે.તેમાં 21થી 23 તારીખે શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવામાં આવી છે.કામગીરીની યાદીમાં યાત્રાળુઓની ગણતરી કરવી, તેમને બસમાં બેસાડવા, ઉતારાના સ્થળ સુધી સુરક્ષિત પહોંચાડવા અને પાણી નાસ્તાની વ્યવસ્થા જોવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે. બોર્ડની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી અત્યંત મહત્વની તબક્કામાં છે.

શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડશે

આવી ગંભીર સ્થિતિમાં બિનશૈક્ષણિક કામમાં જોતરી દેવાથી વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડશે. આ મુદ્દે શૈક્ષિક સંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે વિરોધ નોંધાવ્યો છે. તેમણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરતાં કહ્યું હતું કે, શિક્ષકોને કંડક્ટર જેવી કામગીરી સોંપવી એ શિક્ષકોનું અપમાન છે. અગાઉ સરકારે ખાતરી આપી હતી કે, શિક્ષકોને બિન શૈક્ષણિક કામ માત્ર શિક્ષણ સચિવની મંજૂરી અને રાષ્ટ્રહિતની તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ સોંપાશે. વર્તમાન કિસ્સામાં આ શરતોનું ઉલ્લંઘન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે શૈક્ષિક સંઘે ચેતવણી આપી છે કે જો આ આદેશો પરત ખેંચવામાં નહીં આવે. તો શિક્ષણ પ્રણાલી ખોરવાઈ જશે.શિક્ષકો પાસે લેવાતી આ પ્રકારની કામગીરી વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ પર મોટા સવાલ ઉભા કરી રહી છે.

આ પણ વાંચોઃ Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો



  • Follow us on: