અમદાવાદમાં સુભાષબ્રિજને તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જેના પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજમાં ક્ષતિ ધ્યાને આવતાં તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. સિટી ઈજનેર હરપાલ સિંહ ઝાલાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે મોડી સાંજે બ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન ક્ષતિ જણાતાં તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.
5 દિવસ માટે બ્રિજને બંધ
બ્રિજના એક સ્પાનનો ભાગ બેસી ગયો હોવાની શક્યતા છે. આગામી 5 દિવસ માટે બ્રિજને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. AMCનો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના R&B વિભાગના અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સિટી ઈજનેરે વધુમાં જણાવ્યું કે બ્રિજમાં કેટલી ક્ષતિ થઈ છે તેની તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ કન્સલ્ટન્ટના માર્ગદર્શન મુજબ તેનું સમારકામ કરવામાં આવશે.













