અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ની ભયાનક દુર્ઘટનામાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુએસ સ્થિત 'ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી' (FAS) નામના એવિએશન સેફ્ટી કેમ્પેઇન ગ્રુપ દ્વારા અમેરિકાની સંસદમાં એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787 વિમાન ઉડાન ભરતા પહેલાથી જ ગંભીર ટેકનિકલ સમસ્યાઓથી ઘેરાયેલું હતું. રિપોર્ટ મુજબ, પ્લેનમાં ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર ક્ષતિઓ હતી, તેમજ વારંવાર સર્કિટ બ્રેકરો ટ્રિપ થવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. એન્જિનિયરિંગની ગુણવત્તા અને પ્લેનના રિપેરિંગમાં થયેલી બેદરકારીને આ મોટી હોનારતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
દુર્ઘટના પહેલાથી જ પ્લેન ખરાબ
આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિમાન એર ઇન્ડિયાના કાફલામાં જોડાયું ત્યારથી જ તેમાં અનેક વખત ટેકનિકલ ખામીઓ સર્જાતી હતી. જૂન 2025 માં અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની માત્ર 32 સેકન્ડમાં જ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, અગાઉના પ્રારંભિક અહેવાલોમાં ફ્યુઅલ સ્વિચ બંધ થઈ જવાને કારણ ગણાવવામાં આવ્યું હતું, પરંતુ નવા રિપોર્ટ મુજબ પ્લેનની સિસ્ટમ પહેલેથી જ ફેલિયર મોડમાં હતી. આ નવા ખુલાસાએ એવિએશન સેફ્ટી અને બોઇંગ વિમાનોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.













