વર્ષો અગાઉ 'પદ્માવત' ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો સામે નોંધાયેલા પોલીસ કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે ક્ષત્રિય સમાજમાં આનંદની લહેર જોવા મળી રહી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી જયરાજસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે સમયે ફિલ્મમાં રજૂ કરવામાં આવેલી કાલ્પનિક વાર્તા અને ઇતિહાસ સાથેની છેડછાડ સામે સમાજમાં ભારે રોષ હતો. ક્ષત્રિય અસ્મિતા અને ગૌરવની રક્ષા માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું, જે કોઈ પણ રીતે સરકાર વિરુદ્ધનું આંદોલન નહોતું.
જયરાજસિંહ જાડેજાનો હુંકાર
જયરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજની રજૂઆતોને અત્યંત સંવેદનશીલતા પૂર્વક સાંભળી હતી. સરકારના હકારાત્મક અભિગમને કારણે જ આજે આ કેસો પરત ખેંચવાનું શક્ય બન્યું છે. તેમણે આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કેસો પરત ખેંચાતા અનેક યુવાનો જે કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા હતા તેમને મોટી રાહત મળી છે અને સમાજમાં એકતાનો સંદેશ વધુ પ્રબળ બન્યો છે.













