કોઈપણ ચીજની ખરીદી કરતા ગ્રાહકો સાથે થતી લૂંટના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યાં છે.મોટા ભાગના ગ્રાહકો નાની રકમની કિંમતમાં માથાકૂટો કરવાનું ટાળતા હોય છે. જેના કારણે આ પ્રકારના કિસ્સા વધતા જાય છે. અમદાવાદમાં એર વેપારીએ પાંચ કિલો તુવર દાળની MRP કરતાં વધુ કરતાં વધુ રકમ લીધી હોવાથી એક વ્યક્તિએ કોર્ટ કેસ કર્યો હતો. આ લડત છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી અને તેનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગ્રાહક કોર્ટે વેપારીને 50 હજારનો દંડ અને ગ્રાહકને 165 રૂપિયાના સાત ટકા વ્યાજ લેખે વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ફરીયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ
ફરીયાદી ગ્રાહકે અમદાવાદના કબુતરખાના કાલુપુર વિસ્તારના જથ્થાબંધ વેપારી મેઘરાજ નાનકરામ ઓમ પાસેથી પાંચ કિલો અંગુર તુવેરદાળ પેકીંગમાં ખરીદી હતી. પેકીંગ ઉપર છાપવામાં આવેલ M.R.P.રૂ.675/- હોવા છતાં વેપારીએ રૂ.840/- વસૂલ કર્યા હતાં. વેપારીએ તુવેરની દાળમાં કિલોદીઠ રૂ.33/- વધારે વસુલ કરી પાંચ કિલોના પેકીંગમાં રૂ.165 વધારે લીધા હતાં.ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઉત્પાદક અને વેપારી સામે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરવા સબબ રૂ.1,50,000/- કન્ઝયુમર વેલફેર ફંડમાં વેપારી જમા કરાવે અને ફરીયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ માંગી હતી.
નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા
ફરીયાદના કામે કેસ ચાલી જતાં વેપારીએ શરતચૂકથી વધારે રકમ વસૂલ કરી હોવાનો જવાબ આપી બચાવ કર્યો હતો. પ્રથમ ભૂલ હોવાથી માફ કરવા તેમજ ફરીયાદ રદ કરવા વિનંતી કરી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરીને રજુઆત કરી હતી કે, વેપારીઓ ગ્રાહકો સાથે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતી આચરી બેફામ નફાખોરી આચરે છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા ન્યાયના હિતમાં ગેરકાયદેસર વેપાર નીતિ સામે યોગ્ય દંડ કરવો જરૂરી છે. 10-10 વર્ષની લાંબી કાનુની લડત બાદ નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરમાવવામાં આવી છે અને ગ્રાહક જાગૃતિનો શાનદાર વિજય થયો છે.
વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે ઠગાઈ કરે છે
જીલ્લા ગ્રાહક કમિશને નેશનલ કમિશન હોટલ ન્યાય મંદિરના અપીલના કેસમાં ઠરાવ્યા મુજબ જો કોઇ વેપારી એમ.આર.પી.થી વધારે રકમ વસુલ કરે તે સંજોગોમાં તે ગેરકાયદેસર વેપારી નીતિ આચરેલ હોવાનું કહી શકાય.આથી વેપારીને રૂ.50,000/-નો દંડ ફરમાવવામાં આવે છે અને વધારાની વસૂલ કરેલ રકમ રૂ.165/- ફરીયાદ દાખલ કર્યાની તારીખ વર્ષ 2016 થી 7% ના વ્યાજ અને રૂ.2,000/- કાનુની ખર્ચના અલગથી ચુકવી આપવા હુકમ કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. એમ.આર.પી.થી વધારે રકમ વસુલ કરે છે. G.S.T. નંબરવાળા પાકા બીલ અને ગેરેંટી આપતા નથી. તોલમાપમાં ગ્રાહકોને ફટકો મારીને ભેળસેળ કરતા હોય છે.
આ પણ વાંચોઃ Surat News : સુરત શારજાહ ફ્લાઈટ બંધ થતાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગકારો નારાજ