સુરત-શારજાહ વચ્ચે ઉડતી ફ્લાઈટને સમર શિડ્યૂલમાં બંધ કરવાની જાહેરાત સામે સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આગામી ૨૮મી માર્ચથી આ ફ્લાઈટ સત્તાવાર રીતે બંધ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે, જોકે હાલની યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે ગત ૨૭મી ફેબ્રુઆરી બાદથી જ આ ફ્લાઈટની ઉડાન બંધ છે. પરિણામે ૨૭મી ફેબ્રુઆરીની ઉડાન આ રૂટની અંતિમ ફ્લાઈટ સાબિત થઈ છે.
સુરત-શારજાહ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ હતી
સુરત એરપોર્ટ પરથી શરૂ થયેલી સુરત-શારજાહ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ હતી, જે સુરતીઓ માટે માત્ર મુસાફરીનું સાધન જ નહીં પરંતુ ગૌરવ અને લાગણી સાથે જોડાયેલી સેવા બની ગઈ હતી. વિવિધ ઉદ્યોગ સંગઠનો અને શહેરવાસીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ તથા સતત પ્રયત્નો બાદ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯થી આ ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. આ ફ્લાઈટ શરૂઆતના દિવસોમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરતી હતી. ત્યારબાદ અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ અને હાલમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરી રહી હતી.
આ રૂટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો
ગલ્ફ દેશોમાં વસતા સુરતીઓ માટે આ રૂટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો. હવે સાત વર્ષ પછી સમર શિડ્યૂલમાં આ સેવા અચાનક બંધ થતાં વેપાર, પ્રવાસન અને પારિવારિક જોડાણોને અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સુરતીઓમાં આ નિર્ણય સામે અસંતોષ સાથે ફરીથી ફ્લાઈટ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે, જ્યારે સંબંધિત અધિકારીઓ તરફથી આ ફ્લાઈટ બંધ કરવા પાછળના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ફલાઈટનું બંધ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ સુરતના સભ્ય સંજય શાહે જણાવ્યું હતું કે, સુરત-શારજાહ-સુરત ફલાઈટનું બંધ થવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સુરતની પ્રથમ ઇન્ટરનેશનલ ફલાઈટ આ રીતે સમર શિડ્યૂલ દરમિયાન બંધ કરવી, તે ખૂબ જ ગંભીર બાબત છે. આ ફલાઈટ ફરી શરૂ થાય તે માટે અમે સંબંધિત વિભાગોમાં રજૂઆત કરીશું અને સુરતીઓની લાગણીને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રયાસ ચાલુ રાખીશું.
આ પણ વાંચોઃ Ahmedabad News : અમદાવાદમાં ઝડપાયેલ કરોડોની નકલી નોટનો કેસ, સેન્ટ્રલ એજન્સીઓના ક્રાઇમ બ્રાંચ ખાતે ધામા અને આરોપીઓની કરી પૂછપરછ