અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલરી શોરૂમને નિશાન બનાવતી બે મહિલા ચોરોની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશતી આ મહિલાઓ સોનાના દાગીના જોતી વખતે વેપારીની નજર ચૂકવીને કિંમતી ઘરેણાં પર હાથફેરો કરતી હતી. નરોડા પોલીસે બાતમીના આધારે આ બંને મહિલાઓને દબોચી લીધી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલાઓની ધરપકડ કરી છે: ગીતા દેવીપૂજક અને કોયલ દેવીપૂજક.
ગ્રાહકના સ્વાંગમા મહિલાઓ ચોરી કરતી હતી
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.90,000ની કિંમતના સોનાના દાગીના કબ્જે કર્યા છે. આ મહિલાઓ આધુનિક ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાને જતી હતી. દુકાનદાર જ્યારે સોનાની વીંટી કે અન્ય નાના દાગીનાના બોક્સ ટેબલ પર બતાવવા માટે મુકતો, ત્યારે વાતોમાં ભોળવીને એક મહિલા નજર ચૂકવતી અને બીજી મહિલા સિફતપૂર્વક દાગીના પોતાના કપડામાં છુપાવી લેતી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ બંને મહિલાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડી છે.













