ગુજરાતમાં હવામાન વિભાગે ભર ગરમીમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે સૂનકાર વ્યાપી ગયો છે. ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી જતાં રોડ સૂમસામ બન્યાં છે. આકરા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે.
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થઈ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. 26 એપ્રિલ સુધી તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં 41 ડિગ્રી, રાજકોટમાં 38, સુરતમાં 38, વડોદરામાં 39, દાહોદમાં 38, ડીસામાં 38, ભુજમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.













