Weather Updates: ગુજરાતમાં ‘ટ્રફ’ પસાર થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ,
Weather Updates: ગુજરાતમાં ‘ટ્રફ’ પસાર થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ,
ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્યમાંથી એક મજબૂત વરસાદી ‘ટ્રફ’ પસાર થઈ રહ્યો છે,
Gujarat| By Sandesh Team | Published: Jun 23, 2026 07:24 am
વરસાદની આગાહી
ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્યમાંથી એક મજબૂત વરસાદી ‘ટ્રફ’ પસાર થઈ રહ્યો છે, જેના કારણે આગામી સમયમાં પંથકભરમાં વરસાદી માહોલ બરાબરનો જામશે. આ સિસ્ટમ સક્રિય થતાં જ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આજે વહીવટી તંત્ર દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, મેઘરાજાએ રાજ્યના 52 તાલુકાઓમાં ધમાકેદાર પ્રી-મોન્સૂન બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં 2-2 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારીના જલાલપોર, નર્મદાના સાગબારા અને તાપીના ઉકાઈ પંથકમાં પણ ૧.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યના અન્ય 47 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં હજી પણ ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ હળવા પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત
જોકે બીજી તરફ રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહ્યું છે. મોટાભાગના શહેરોમાં પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. જેમાં ગાંધીનગર ૪૦.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં ૪૦.૫, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ અને રાજકોટમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળામણ અનુભવી રહ્યા છે. વરસાદ પડવાની સાથે જ હવામાં ભેજ વધવાથી બફારો હજુ વધશે તેવી આશંકા છે.