અંબાજી વિકાસ પ્રોજેક્ટ દરમ્યાન દબાણનો મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે.અગાઉ 89 દબાણો તૂટ્યા બાદ હવે 200 થી વધુ દબાણ કરનારાને નોટિસ મળતા ભારોભાર રોષ ભભૂક્યો છે.ગઈકાલે અંબાજી ખાતે દબાણદારોની બેઠક મળી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ દબાણ દૂર કરવાની માંગ સાથે આજે અંબાજી બંધનું એલાન અપાયું હતું.


અંબાજીના બજારો જડબેસલાક બંધ

જોકે દબાણદારોને અંબાજીના વેપારીઓએ પણ સમર્થન આપ્યું અને અંબાજીના બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.એકત્રિત થયેલા પીડિતો મોટી સંખ્યામાં દાંતા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે...

અંબાના ધામ અંબાજી ખાતે સરકાર દ્વારા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ

વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે સરકાર દ્વારા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે.અંબાજી કોરિડોર સહિતના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા થોડા સમય અગાઉ વિકાસ પ્રોજેક્ટના નડતરરૂપ 89 જેટલાં દબાણો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવાયા.જોકે આ 89 મકાનોના દબાણો તૂટવા સમયે અંબાજીમાં દબાણદારો એકત્રિત થયા હતા અને હંગામા મચાવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી પરંતુ આજ દિન સુધી તેમની વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી અને તે વચ્ચે આ વિકાસ પ્રોજેક્ટમાં નડતરરૂપ 200 થી વધુ દબાણદારોને નોટિસ મળતા હડકમપ મચ્યો છે.

 દાંતા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી દબાણ તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી

ગઈકાલે પીડિત દબાણદારો અંબાજી ખાતે એકત્રિત થયા અને આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.જોકે પીડિત દબાણદારોના નિર્ણય બાદ આજે અંબાજીના બજારો દબાણદારોના સમર્થનમાં સ્વયંભૂ બંધ રહ્યા હતા. તે વચ્ચે આ પીડિત દબાણદારો દાંતા ખાતે પહોંચ્યા અને દાંતા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી દબાણ તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે અને જો દબાણદારોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી અપાય તો આગામી દિવસોમાં રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉતારી છે...

દાંતા પ્રાંત અધિકારીએ દબાણદારોને આશ્વાસન આપ્યું

જોકે અંબાજીમાં દબાણને લઈને વિવાદ તો ઊભો થયેલો જોવા મળ્યો. પરંતુ તે વચ્ચે દબાણદારોની રજૂઆત સાંભળ્યા બાદ દાંતા પ્રાંત અધિકારીએ દબાણદારોને આશ્વાસન આપ્યું છે કે તમારૂ કોઈ દબાણ હટવાનું નથી. તમને જે નોટિસ મળી છે તે દબાણ હટાવવા માટે નથી મળી પુરાવા એકત્રિત કરવા માટે મળી છે. અને સાથે જ SIR ની કામગીરી ચાલી રહી છે તેને લઈ આ દબાણદારો માં ભય ફેલાયો હોવાનું પ્રાંત અધિકારીએ નિવેદન આપ્યું છે.


આ પણ વાંચો--- Ahmedabad News : અયોધ્યામાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, અમદાવાદમાં 4 કિલોગ્રામ વજનની ધ્વજા તૈયાર કરાઇ જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરાશે

  • Follow us on: