શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોની અતૂટ આસ્થાના દર્શન અવારનવાર થતા રહે છે. તાજેતરમાં રાજકોટના એક શ્રદ્ધાળુએ અંબાજી માતાજીના ચરણોમાં સોનાના હારનું દાન કર્યું છે. આ ભક્ત દ્વારા અંદાજે 33.13 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર ભેટમાં આપવામાં આવ્યો છે. રાજકોટથી આવેલા આ ભક્તએ અંબાજી મંદિરના ટેમ્પલ ઈન્સ્પેક્ટરના કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે આ દાન અર્પણ કર્યું હતું. દાનમાં આપવામાં આવેલા સોનાના હારનું વજન આશરે 263 ગ્રામ જેટલું છે.
વ્યક્તિ દ્વારા 263 ગ્રામ સોનાના હારનું દાન
ભક્તએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ગર્ભગૃહ અને માતાજીના આભૂષણો માટે પણ ભક્તો દ્વારા મોટા પ્રમાણમાં સોનાનું દાન આપવામાં આવી રહ્યું છે. અગાઉ પણ અનેક દાતાઓએ કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ માતાજીના ચરણે ધરી છે.













