યાત્રાધામ અંબાજી આજે માત્ર શ્રદ્ધાળુઓના જયઘોષથી જ નહીં, પરંતુ માતાજીના નૂતન સુવર્ણ શણગારથી પણ ઝળહળી ઉઠ્યું છે. અમદાવાદના પ્રસિદ્ધ 'જય ભોલે ગ્રુપ' દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે મા જગદંબાના ચરણોમાં એક અત્યંત કલાત્મક અને કિંમતી સુવર્ણ રત્નજડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.
ત્રણ મહિનાની અવિરત મહેનત બાદ તૈયાર કરાયો મુગટ
કલા અને ભક્તિનો સંગમ આ મુગટ માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ કારીગરોની ત્રણ મહિનાની અવિરત મહેનત અને ભક્તોની આસ્થાનું પરિણામ છે. આ ભવ્ય મુગટની અંદાજિત કિંમત રૂપિયા 43.51 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ મુગટને અત્યંત બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રતીકોને વણી લેવામાં આવ્યા છે.મા અંબાને અર્પણ કરાયેલી આ ભેટ તેમની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ત્રણ મહિના સુધી કુશળ સોનીઓ દ્વારા રાત-દિવસ મહેનત કરીને આ માસ્ટરપીસ તૈયાર કરવામાં આવ્યો હતો.













