લોકશાહીમાં ઈંટ-પથ્થરની ઈમારતો ચણાઈ જવી એ વિકાસની નિશાની હોઈ શકે, પરંતુ જ્યારે એ ઈમારતો માત્ર નેતાઓના હસ્તે ઉદ્ઘાટનના 'શુભ મુહૂર્ત'ની રાહ જોતી પડી રહે, ત્યારે તે વિકાસ જનતા માટે અભિશાપ બની જાય છે. કંઇક આવી જ વ્યથા છે જૂનાગઢના ખલીલપુર રોડ પર બનેલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની...
જૂનાગઢના આરોગ્ય કેન્દ્રને કોનું ગ્રહણ?
જૂનાગઢમાં આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ તૈયાર થયાને આજે છ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. તેમ છતાં, રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કેન્દ્ર હજુ સુધી કાર્યરત થઈ શક્યું નથી. નવાઈની વાત એ છે કે, જે વિસ્તારની જનતા માટે આ કરોડોના ખર્ચે કેન્દ્ર ઊભું કરાયું છે, તેઓ આજે પણ આરોગ્યની પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.
ભાડાના મકાનમાં કરાઇ રહી છે સારવાર
ભાડાના મકાનમાં પીડાતી પ્રજા વર્તમાન સમયમાં આ વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર શાંતેશ્વર વિસ્તારમાં એક સાંકડા અને સુવિધા વગરના ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. ત્યાં જગ્યાના અભાવે દર્દીઓને ભારે અગવડતા પડે છે અને મેડિકલ સ્ટાફ પણ મર્યાદિત સંસાધનોમાં કામ કરવા મજબૂર છે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે પોતાની માલિકીનું ભવ્ય અને સુવિધાજનક મકાન તૈયાર છે, તો પછી જનતાને શા માટે ભાડાના ડાબલા જેવા મકાનમાં ધકેલવામાં આવે છે?
તંત્ર કરી રહી છે લૂલો બચાવ
તંત્રનો બચાવ બીજી તરફ, મહાનગરપાલિકાના કમિશનર આ મામલે 'ફિનિશિંગ ટચ'નું ગાણું ગાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે હજુ થોડું ટેકનિકલ કામ બાકી છે, જે પૂર્ણ થયા બાદ જ કેન્દ્ર ખુલ્લું મુકાશે. પરંતુ સવાલ એ છે કે શું આ "બાકી કામ" છ મહિનાથી પૂર્ણ થઈ શક્યું નથી? કે પછી અસલી કારણ કોઈ રાજકીય નેતાની તારીખ મેળવવાનું છે? હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો આ મુદ્દો હવે ગંભીર બન્યો છે. શું તંત્ર પોતાની ઉદાસીનતા ત્યાગીને માનવતાના ધોરણે આ કેન્દ્ર વહેલી તકે ખુલ્લું મૂકશે, કે પછી સામાન્ય જનતાએ હજુ લાંબો સમય 'તારીખ'ની રાહ જોવી પડશે? તે તો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાચોઃ Morbi: રોડ, રસ્તા અને પાણી વગરની 4 સોસાયટીઓના રહીશોના કલેક્ટર કચેરી ખાતે ધરણા