ખંભાત તાલુકાના વત્રા ગામે પરિણીતાની બોથડ પદાર્થના ફટકા મારી હત્યા કરાયેલ મૃતદેહ તમાકુના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પરિણિતાની હત્યાનો ભેદ ખોલી નાખ્યો હતો
પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ખંભાતના વત્રા ગામે ગત તારીખ 28મી તારીખના રોજ સવારે ખોરીયાકુવા નજીકના ખેતરમાંથી તમાકુના પાક વચ્ચેથી દરબાર ફળીયામાં રહેતી એક પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ખેતરમાં જતા ખેડૂતે લોહીલુહાણ હાલતમાં લાશ જોતા ગામના અગ્રણીઓને જાણ કરી હતી અને આ મામલે ખંભાત પોલીસને જાણ કરવામાં આવી હતી
સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલનો મૃતદેહ મળ્યો
ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ઇન્સ્પેકટર સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના સ્થળે તપાસ કરતા તમાકુના ખેતર વચ્ચે ઊંધા માથે મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. આ મહિલાનું નામ ગામમાં જ રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર
પોલીસે લાશને કબ્જે કરી પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં પેનલ ડોકટરો દ્વારા પી.એમ કરવામાં આવ્યું હતું. જેમાં સારિકા બેન પટેલની હત્યા કરાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી.એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે જેને લઇ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે પ્રેમ પ્રકરણની દિશામાં તપાસ કરી હતી.જેમાં પરિણીતાના પ્રેમી અને તેના દીકરાઓને પોલીસે રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરી હતી.
રણજીત અને સારિકા વચ્ચે પ્રેમસબંધ
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર,ખંભાતના વત્રા ગામના દરબાર ફળિયામાં રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલના ફળિયામાં 52 વર્ષીય રણજીતભાઈ તખતસિંહ પરમાર રહે છે. છેલ્લા 15 વર્ષથી રણજીત અને સારિકાબેન સાથે પ્રેમસબંધ ચાલતો હતો.જે બાબતને લઈ રણજીતભાઈ પરમારના ઘરમાં દીકરાઓ સાથે ઘર કંકાસ પણ ચાલતો હતો .પ્રેમ પ્રકરણમાં ચાલતા ઝઘડાઓને લઈ પિતા અને પરિણીતાને દીકરાઓએ વારંવાર સમજાવ્યા બાદ પણ બે માંથી એક પણ માન્યા હતા.પ્રેમ પ્રકરણ અને ઘરકંકાસથી કંટાળેલ પ્રેમી રણજીતભાઈ પરમારના સૌથી નાના દીકરા સુનિલકુમાર પરમારે પરણીતાની હત્યા કરી નાખી હતી.
સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ
ખોરીયા કુવા નજીકના ખેતરમાં બંને જણા અવારનવાર મળતા હોવાની જાણ પણ હત્યા કરનારને હતી.ગત 27મી તારીખના રોજ રાત્રીના સુમારે સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ હતી.ત્યાં પ્રેમી રણજીતભાઈ નો સૌથી નાનો પુત્ર સુનિલ પરમાર આવી પહોંચ્યો હતો.અને રસ્તામાં જ સારીકાને માથામાં પાછળના ભાગે ઉપરાછાપરી લાકડાના ડંડાના ફટકા મારી દીધા હતા જેને લઇ સારિકા લોહીલુહાણ હાલતમાં ખેતરમાં ફસડાઈ પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ આરોપી સુનિલે લાશને ઢસેડીને લઈ જઈ બાજુના તમાકુના ખેતરમાં ખસેડી દીધી હતી.અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો
પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
ખંભાત પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યાના સ્થળ પર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીને રિમાન્ડ અર્થે ખંભાત કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા
આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો