અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ધારી તાલુકાના સુખપુર ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રસ્તો રક્તરંજીત બન્યો હતો.
તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુખપુર ગામના માર્ગ પરથી પસાર થઈ રહેલા બે બાઇક ચાલકો પૂરઝડપે સામસામે આવી જતાં એકબીજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને ચાલકો રોડ પર ફંગોળાયા હતા અને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘાયલોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા
પેરામેડિકલ સ્ટાફ દ્વારા બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને યુવકોની હાલત અત્યંત નાજુક જણાતા અને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ હોવાથી, ફરજ પરના તબીબોએ તેમને વધુ સઘન સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.
સ્થાનિકોમાં ચિંતા
આ અકસ્માતને પગલે સુખપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પર વાહનોની વધતી ગતિ અને બેદરકારી આવા જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે. જે કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Amreli News: પત્રકાર ફારૂક કાદરીની ધરપકડ કરવાની માગ