અમરેલી શહેરમાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડબાજી કરનારા તત્વો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કથિત પત્રકાર ફારૂક કાદરીએ મેળાના આયોજક પાસે નાણાની માંગણી કરી હતી. જેનો સોશિયલ મીડિયામાં ભ્રામક વીડિયો વાયરલ કરતા મામલો ગરમાયો છે. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર અને SPને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.


રૂપિયા 10 હજારની માંગણી

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલીમાં યોજાયેલા મેળાના આયોજક પાસે ફારૂક કાદરીએ 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આયોજકે નાણાં આપવાનો ઇન્કાર કરતા, ફારૂક કાદરીએ મેળાની SOP અને અન્ય સુરક્ષા મુદ્દે ખોટા વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આયોજકને બદનામ કરવાના બદઈરાદા સાથે કરવામાં આવેલા આ કૃત્ય સામે અગાઉ વિવિધ કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.

હિન્દુ સંગઠનોમાં આક્રોશ અને આવેદનપત્ર

આ ઘટનાને પગલે હિન્દુ સમાજ અને સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ફારૂક કાદરી જેવા તત્વો પવિત્ર પત્રકારત્વના વ્યવસાયને લાંછન લગાડી રહ્યા છે. સંગઠનના હોદ્દેદારોએ અમરેલી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ફારૂક કાદરીની વહેલી તકે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવા રજૂઆત કરી હતી.

પત્રકાર જગતમાં પણ ચર્ચા

આ કિસ્સાએ સમગ્ર રાજ્યના પત્રકાર જગતમાં પણ ચકચાર મચાવી છે. સાચા અને નિષ્ઠાવાન પત્રકારો પર પણ આવા તોડબાજ તત્વોને કારણે માછલાં ધોવાય છે, તેથી કાદરી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવો સૂર ઉઠ્યો છે. હાલમાં પોલીસ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Patan: પાટણમાં પ્રખ્યાત ગાજરની સિઝનનો પ્રારંભ, હોલસેલમાં મણનો ભાવ રૂ.150 થી 220


  • Follow us on: