અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યપ્રાણીઓના આંટાફેરા વધતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહ અને દીપડા દ્વારા સતત થઈ રહેલા પશુઓના મારણને કારણે માલધારીઓને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


વન્યપ્રાણીઓ હવે રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં અડિંગો જમાવી રહ્યા છે

વડિયા પંથકમાં વન્યપ્રાણીઓ હવે રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં અડિંગો જમાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં વડિયા વિસ્તારમાં સિંહોના ટોળાએ એક માલધારીના બે પશુઓનું મારણ કર્યું હતું. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ હનુમાન ખીજડિયા ગામે દીપડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં એક દીપડો મધરાત્રે શ્વાનનો શિકાર કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ઢૂંઢિયા પીપળીયા ગામે વધુ એક ખેડૂતના પશુનું મારણ

આજે ફરી વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વધુ એક ખેડૂતના પશુનું મારણ વન્યપ્રાણી સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે ખેતીકામ માટે જતા મજૂરો અને ખેડૂતો હવે ખેતરમાં જતાં પણ ડરી રહ્યા છે. સૂર્યાસ્ત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં અઘોષિત કરફ્યુ જેવો માહોલ સર્જાય છે.

 ખેડૂતોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે

હાલ તો ખેડૂતોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે. સ્થાનિકોની એક જ માંગ છે કે આ વન્યપ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી તાત્કાલિક ખસેડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવે જેથી જનજીવન ફરી સામાન્ય બની શકે.


આ પણ વાંચો----   Gandhinagar : મિલકત સંબંધિત ગુનાના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 13નો પ્રથમ વખત ઉપયોગ થશે, આજીવન કેદની જોગવાઈ

  • Follow us on: