અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા બોરાળા ગામે એક વિશાળકાય મગર ખેડૂતના કુવામાં ખાબકતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બોરાળા ગામના ખેડૂત ધીરુભાઈ વાઘાણીની વાડીમાં આવેલા ખાલી કુવામાં અચાનક એક મગર ફસાઈ ગયો હતો. ખેડૂત જ્યારે વાડીએ ગયા ત્યારે કુવામાં મગર હોવાનું માલૂમ પડતા તેમણે તાત્કાલિક સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી. રહેણાંક વિસ્તારની નજીક મગર આવી જવાથી સ્થાનિકોમાં પણ કુતૂહલ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.


વાડીના ખાલી કુવામાં એક મગર ફસાયો

ઘટનાની જાણ થતા જ ખાંભા વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ દોરડા અને પાંજરાની મદદથી કુવામાં ઉતરીને મગરનું સુરક્ષિત રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આશરે કલાકોની મહેનત બાદ મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર કુવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને ચોકસાઈભરી કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.

મગરનું રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢ્યો

કુવામાંથી બહાર કાઢ્યા બાદ વન વિભાગના નિષ્ણાતો દ્વારા મગરનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મગર તંદુરસ્ત હોવાનું જણાતા તેને તેના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં પાણીની શોધમાં વન્યજીવો અવારનવાર માનવ વસાહત તરફ આવી ચઢતા હોય છે, ત્યારે વન વિભાગની આ સતર્કતા પ્રશંસનીય સાબિત થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: