અમરેલી જિલ્લાના ગુંદરણ અને લીલીયા વચ્ચેના માર્ગ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવાનો અને એક નિર્દોષ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. હોળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. બાઈક પર સવાર થઈને પસાર થઈ રહેલા શ્રમિક પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો.
ગુંદરણ-લીલીયા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બે યુવાનો અને માત્ર 6 વર્ષના માસૂમ બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સિવાય અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકો સ્થાનિક વિસ્તારમાં મજૂરી કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.













