અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. પુત્રની દારૂ પીવાની કુટેવ અને તેનાથી થતા રોજિંદા કૌટુંબિક ઝઘડાઓથી કંટાળીને એક પિતાએ પોતાના જ સગા પુત્રની હત્યા કરી નાખી છે. મૃતક યુવકની ઓળખ હિતેશ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિતેશને દારૂ પીવાની ગંભીર ટેવ હતી. તે અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પોતાની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઉગ્ર ઝઘડા કરતો હતો.
પુત્રની દારુ પીવાની ટેવથી પિતા કંટાળ્યા હતા
પુત્રના આ રોજિંદા ત્રાસ અને સમાજમાં થતી બદનામીથી પિતા વશરામભાઈ સેંજળીયા અત્યંત વ્યથિત અને કંટાળી ગયા હતા. ગતરોજ ઝઘડો વધતા પિતા વશરામભાઈએ આવેશમાં આવી દોરડા વડે હિતેશનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. પાપ છુપાવવા માટે તેમણે પુત્રની લાશને પોતાની વાડીના શેઢા પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી. જોકે, આ બાબતની જાણ પોલીસને થતા ધારી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મેજિસ્ટ્રેટની હાજરીમાં દાટેલી લાશને બહાર કાઢી હતી.













