અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વન્ય પ્રાણીના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક આધેડ મહિલા પર સિંહણે અચાનક હુમલો કરતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે. ચલાલાના રહેવાસી મંજુલાબેન દિનેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 45) એ ગોવિંદપુર ગામે એક વાડીમાં આંબાનો ઇજારો રાખ્યો હતો.


ઝાડને પાણી પાઈ રહેલી મહિલા પર સિંહણનો હુમલો

આજે બપોરે આશરે 3:30 વાગ્યાના સુમારે જ્યારે મંજુલાબેન આંબાના ઝાડને પાણી પાઈ રહ્યા હતા, ત્યારે ત્યાં ઓચિંતી ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક લાકડીઓ અને અન્ય સાધનો સાથે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ સિંહણને ત્યાંથી ભગાડી મૂકી હતી. સિંહણના હુમલામાં મંજુલાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે ધારીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં મહિલાએ દમ તોડ્યો

જોકે, ઇજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા જ ધારી પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. વાડી વિસ્તારમાં સિંહણના હુમલાથી ખેડૂતો અને મજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે વન વિભાગ દ્વારા આ સિંહણને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: