અમરેલી શહેરમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા અને બિનકાયદેસર રીતે વાહનો દોડાવનારા તત્વો સામે અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના બાદ સમગ્ર શહેરમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી નિયમો તોડતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


પીએસઆઈ બરવાળીયાના નેતૃત્વમાં ઝુંબેશ

અમરેલી ટ્રાફિક પોલીસના પીએસઆઈ એચ. જે. બરવાળીયા અને તેમની ટીમ દ્વારા અમરેલી શહેરના વિવિધ સર્કલો અને મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ખાસ કરીને સીટબેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવતા ચાલકો, ગાડીના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ (બ્લેક ગ્લાસ) લગાવેલી હોય તેવા વાહનો અને નિયમ વિરૂદ્ધ અને બિનકાયદેસર રીતે રસ્તા પર દોડતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ સામે પોલીસે લાલ આંખ કરી સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરી હતી. પોલીસની આ આકસ્મિક તપાસને કારણે નિયમોનું પાલન ન કરનારા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી.

શહેરીજનોએ કામગીરીને વધાવી

અમરેલીના અલગ-અલગ ભાગોમાં યોજાયેલી આ ટ્રાફિક ડ્રાઇવને સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ આવકારી છે. લોકોનું માનવું છે કે, આવી કડક કાર્યવાહીથી અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે. પીએસઆઈ એચ. જે. બરવાળીયા સહિતની ટ્રાફિક પોલીસ ટીમની સક્રિયતાને કારણે વાહનચાલકોમાં હવે નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે, તેવા સંકેતો પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Amreli: વાડીના અવેડા પર સાત-સાત સાવજોએ તરસ છીપાવી, દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા


  • Follow us on: