અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના ઇરાદે ટ્રેક પર મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતો લોખંડનો પોલ મૂકી દેવામાં આવ્યો હતો. આ ઘટના તે સમયે બની જ્યારે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. સદનસીબે, ટ્રેન પસાર થતી વખતે પાયલટને કોઈ વસ્તુ અથડાવાનો સામાન્ય અવાજ આવતા તેમણે તુરંત બ્રેક મારી ટ્રેન ઉભી રાખી દીધી હતી.
ચિતલ-ખીજડિયા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ
ટ્રેન થોભ્યા બાદ પાયલટે નીચે ઉતરીને તપાસ કરતા ટ્રેક પર જોખમી પથ્થરો અને પોલ જોવા મળ્યા હતા. પાયલટની સમયસૂચકતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા હતા અને એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. પાયલટે આ અંગે તાત્કાલિક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રેલવે પોલીસ (RPF), સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આઈબી (IB) અને ડોગ સ્કોડ સહિતની વિવિધ એજન્સીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.













