એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી.
રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે સિંહણ નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ સિંહણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ નેશનલ હાઈવે પર સિંહોની અવરજવર ખૂબ જ વધારે રહેતી હોય છે, જેના કારણે અવારનવાર વન્યજીવો અકસ્માતનો ભોગ બને છે.













