ગુજરાતમાં સરકારી કામોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસે આવેલા નવનિર્મિત બ્રિજમાં મોટી તિરાડો જોવા મળતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બ્રિજ બન્યાને હજુ માત્ર દોઢ વર્ષ જેવો સમય થયો છે, અને આટલા ટૂંકા ગાળામાં બીજી વખત તિરાડો પડવાની ઘટના સામે આવી છે.
ભ્રષ્ટાચારની ગંધ અને ગુણવત્તા સામે સવાલો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હાઈવે પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી મુસાફરી ઝડપી અને સુરક્ષિત બને, પરંતુ દાતરડી પાસેના આ બ્રિજની હાલત જોતા કામગીરીની ગુણવત્તા પર શંકા સેવાઈ રહી છે. દોઢ વર્ષમાં બીજીવાર તિરાડો પડવી એ બાબત સ્પષ્ટ કરે છે કે, બ્રિજના નિર્માણમાં કાચું કપાયું હોઈ શકે છે. સ્થાનિકો અને વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટરો દ્વારા અતિ નબળું કામ કરવામાં આવ્યું છે.
વાહનચાલકોમાં ભારે રોષ
નેશનલ હાઈવે હોવાથી અહીંથી દિવસ-રાત ભારે વાહનોની અવરજવર રહે છે. બ્રિજ પર પડેલી મોટી તિરાડોને કારણે અકસ્માતનો ભય સતત મંતરાઈ રહ્યો છે. અગાઉ જ્યારે તિરાડો પડી હતી ત્યારે માત્ર થીગડા મારીને સંતોષ માની લેવાયો હતો, પરંતુ ફરી એ જ સ્થિતિ સર્જાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોની માગ છે કે, આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી થાય.
તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ
જ્યારે કરોડોના ટેન્ડરો પાસ થતા હોય ત્યારે સુપરવિઝન કરનાર એન્જિનિયરોએ આ નબળી કામગીરી કેમ ન જોઈ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હાલ તો આ તિરાડો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે અને લોકો બ્રિજની મજબૂતી પર જોક્સ બનાવી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. આવામાં તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો - Amreliના મોટા આંકડીયા ગામે ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી પર SOGના દરોડા