અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ખાતે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કચેરીમાં રહેલી દવાઓ અને સરકારી દસ્તાવેજોના જથ્થાને મોટું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સ્થાનિકો અને ફાયર વિભાગની કામગીરી
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ 112ની ટીમ અને રાજુલા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની કડી મહેનત બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી.













