અમરેલી જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ધોધમાર કમોસમી વરસાદે ખેતી પાકો પર કાળો કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને ધારી તાલુકામાં ડુંગળીના તૈયાર પાક પર મેઘરાજાએ પ્રહાર કરતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આકાશમાંથી વરસેલી આ 'આફત' ખેડૂતો માટે પાયમાલી લઈને આવી છે.


અનરાધાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું

ધારી તાલુકાના પરબડી ગામમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના એક પ્રગતિશીલ ખેડૂતની 70 વીઘામાં વાવેલી ડુંગળીનો પાક તૈયાર હતો. ખેડૂતે મહેનત કરીને ડુંગળી કાઢી, તેને સાફ કરી અને વેચાણ માટે કટ્ટા (કોથળા) પણ ભરી લીધા હતા. પરંતુ માર્કેટિંગ યાર્ડ પહોંચે તે પહેલા જ વરસેલા અનરાધાર વરસાદે આ તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. કટ્ટામાં ભરેલી ડુંગળી પલળી જતાં હવે તેમાં સડો લાગવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતની વેદના શબ્દોમાં વર્ણવી મુશ્કેલ

માત્ર પરબડી જ નહીં, પણ સમગ્ર ધારી પંથકમાં ડુંગળી અને શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. દેવું કરીને વાવેતર કરનાર ખેડૂતો હવે પાયમાલીના આરે આવી ગયા છે. તૈયાર પાક જ્યારે નજર સામે બગડતો જોવાનો વારો આવે ત્યારે ખેડૂતની વેદના શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય અને નુકસાનીના વળતરની આશા રાખી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: