અમરેલી જિલ્લામાં ડિજિટલ માધ્યમથી થતી ઠગાઈના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે તમામ થાણા અધિકારીઓને સાયબર ફ્રોડની ફરિયાદોમાં સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત ગુનો નોંધી તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. હાલમાં જ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ જેવા કે અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બાબરા અને ખાંભામાં કુલ 7 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ કેસોમાં ભોગ બનનાર નાગરિકોના ખાતામાંથી કુલ ₹14 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ડિજિટલ ઠગાઈથી સાવધાન
તપાસમાં ખૂલ્યું છે કે સાયબર ઠગો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, જેમાં લોકોને વોટ્સએપ કે મેસેજ દ્વારા 'APK' ફાઈલ અથવા 'RTO' સંબંધિત નકલી ફાઈલો મોકલવામાં આવે છે. જેવી વ્યક્તિ આ ફાઈલ ડાઉનલોડ કરે છે, કે તરત જ તેમનો ફોન હેક થઈ જાય છે અને બેંક ખાતામાંથી નાણાં સાફ થઈ જાય છે. એસપી સંજય ખરાતે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી લિંક કે ફાઈલ પર ક્લિક ન કરવું અને છેતરપિંડીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો. હાલ સાયબર સેલ આ તમામ ટ્રાન્ઝેક્શનની કડીઓ મેળવી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.













