રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું થતા શિયાળુ પાક લણી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


વડિયા અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા

બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વડિયા શહેર ઉપરાંત મોરવાડા, બાંટવા દેવળી અને આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

તૈયાર પાક પર કુદરતી આફત

હાલમાં ખેતરોમાં ઘઉં, જીરૂ, ચણા અને ધાણાનો પાક તૈયાર અવસ્થામાં છે. ઘણા ખેડૂતોએ પાકની લણણી કરી તેને ખુલ્લા ખેતરોમાં રાખ્યો છે, ત્યારે અચાનક આવેલા આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠાને કારણે પાકની ગુણવત્તા બગડવાની અને મોટા પાયે આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી સાચી પડી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અગાઉ જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વડિયા પંથકના ખેડૂતો હવે ચિંતિત બન્યા છે કે, જો હજુ વધુ વરસાદ પડશે તો સિઝનનો તમામ પાક નિષ્ફળ જઈ શકે છે.

સાપર ગામમાં કરાનો વરસાદ

આ સાથે અમરેલીના બગસરા શહેર સહિત સમગ્ર પંથકમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને બગસરાના સાપર ગામમાં ગાજવીજ અને પવન સાથે બરફના કરા પડતા સમગ્ર વિસ્તારમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાક પર મોટું જોખમ ઉભું થયું છે. બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સાપર ગામ અને આસપાસના સીમ વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. આ દરમિયાન મોટા કદના કરા પડતા ખેતરોમાં બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બગસરા શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતા માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.




ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફત બનીને આવ્યો છે. અત્યારે ખેતરોમાં ઘઉં, ચણા અને ડુંગણીનો પાક તૈયાર છે. અનેક ખેડૂતોએ પાકની લણણી કરી લીધી છે, જે અત્યારે ખુલ્લા ખેતરોમાં પડ્યો છે. કરા અને વરસાદને કારણે ઘઉં પલળી જવાથી કાળા પડી જવાની અને ડુંગણીના પાકમાં સડો લાગવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે આ માવઠું તેમના આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે.


આ પણ વાંચો - Amreli News: એસટી કંડક્ટરની શરમજનક કરતૂત, બે મહિલા મુસાફરોની છેડતી બદલ કરાયો સસ્પેન્ડ


  • Follow us on: