સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ હાહાકાર મચાવ્યો છે. અમરેલીના વડિયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટક્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ત્રાટકેલા આ મિની વાવાઝોડાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.
બજારોમાં અફરાતફરી
વડિયા શહેરની મુખ્ય બજારોમાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે ચારેબાજુ ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. ભારે પવનના કારણે દુકાનોના સાઈન બોર્ડ અને પતરાં હવામાં ઉડતા જોવા મળ્યા હતા, જેનાથી બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.













